પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021માં ફિલઝાહ, ચિત્રાક્ષે અંડર-19 ટાઇટલ જીત્યાં
જામનગર
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021ના બીજા ચરણના બીજા દિવસે શનિવારે ફિલઝાહ ફાતીમા કાદરી અને ચિત્રાક્ષ ભટ્ટે કેટલીક રોમાંચક ક્ષણો બાદ જુનિયર (અંડર-19) ટાઇટલ જીતી લીધા હતા.
જામનગરના જેએમસી કોમ્પલેક્સના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી ટુર્નામેન્ટના બીજા દિવસે રોમાંચ જોવા મળ્યો હતો અને કેટલીક મેચો રસાકસીભરી રહી હતી. જેમાં મોખરાના ક્રમની સુરતી ખેલાડી ફિલઝાહે જુનિયર ગર્લ્સ (અંડર-19)ની ફાઇનલમાં તેના જ શહેરની આફ્રિન મુરાદ સામે 6-11, 11-8, 8-11, 6-11, 11-6, 11-5, 11-2થી વિજય હાંસલ કર્યો હતો.
જુનિયર બોયઝ (અંડર-19)માં મોખરાનો ક્રમાંક ધરાવતા અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટે પણ થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો પરંતુ અંતે તેણે બીજા ક્રમના સુરતી ખેલાડી બુરહાનુદ્દીન માલુભાઈ સામે 15-13, 11-7, 11-9, 12-10થી વિજય હાંસલ કરીને ટાઇટલ જીતી લીધું હતું.
યોગાનુયોગે બંને ફિલઝાહ અને ચિત્રાક્ષે ગયા મહિને ગાંધીધામ ખાતે યોજાયેલી સિઝનની સૌપ્રથમ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021માં પણ અંડર-19 ટાઇટલ જીત્યા હતા.
જુનિયર ગર્લ્સ (અંડર-19)માં મિલી તન્નાએ ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો. સુરતની પાંચમા ક્રમની મિલી તન્નાએ ભાવનગરની રૂત્વા કોઠારીને 11-4, 4-11, 11-9, 12-10થી હરાવી હતી.
બિનક્રમાંકિત રૂત્વા કોઠારીએ અગાઉ અપસેટ સર્જ્યો હતો અને પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં ત્રીજો ક્રમ ધરાવતી અને ફેવરિટ મનાતી અમદાવાદની કૌશા ભૈરપૂરેને 5-11, 11-9, 11-7, 1-11, 11-7થી હરાવી હતી.
દરમિયાન ક્વાર્ટર ફાઇનલમાં રૂત્વાએ તેની ટીમની સાથે ખુશી જાદવને 11-9, 11-8, 12-10, 11-7થી જ્યારે મિલી તન્નાએ ચોથા ક્રમની ભાવનગરની નામના જયસ્વાલને 12-10, 11-9, 8-11, 13-11, 11-9થી હરાવી હતી.
આફ્રિન મુરાદે ભાવનગરની રિયા જયસ્વાલ સામે 11-4, 7-11, 12-14, 14-12, 11-2, 11-4થી વિજય હાંસલ કર્યો હતો જ્યારે ફિલઝાહે ભાવનગરની આઠમા ક્રમની નૈત્રી દવેને 11-6, 11-6, 11-13, 11-0, 11-8થી હરાવી હતી.
સેમિફાઇનલમાં ફિલઝાહનો મુકાબલો મિલી તન્ના સામે હતો જ્યાં તેણે 11-6, 11-7, 11-8, 11-9થી વિજય હાંસલ કર્યો હતો તો રૂત્વા સામેની મેચમાં આફ્રિન મુરાદે 11-8, 11-4, 8-11, 10-12, 11-9, 14-12 વિજય મેળવ્યો હતો.
બોયઝ સેમિફાઇનલ અત્યંત રોમાંચક રહી હતી. ચિત્રાક્ષ અને બુરહાનુદ્દીન બંને અપસેટમાંથી બચી ગયા હતા. ચિત્રાક્ષે બે ગેમથી પાછળ રહ્યા બાદ અમદાવાદના જ ચોથા ક્રમના અભિલાષ રાવલને 7-11, 9-11, 11-7, 11-9, 11-7, 11-4થી હરાવ્યો હતો જ્યારે બુરહાનુદ્દીને સુરતના ત્રીજા ક્રમના શ્લોક બજાજ સામે 12-10, 6-11, 11-6, 11-9, 7-11, 3-11, 13-11થી વિજય હાંસલ કર્યો હતો.
શ્લોક ત્રીજા ક્રમે રહ્યો હતો જ્યાં તેણે અભિલાષ રાવલ સામે 11-2, 6-11, 11-5, 11-8થી વિજય હાંસલ કર્યો હતો.
અગાઉ ક્વાર્ટર ફાઇનલમાં બુરહાનુદ્દીને સંઘર્ષ કરવો પડ્યો હતો કેમ કે તેનો મુકાબલો સાતમા ક્રમના હર્ષિલ કોઠારી (ભાવનગર) સામે હતો જ્યાં તેણે 11-9, 7-11, 11-4, 10-12, 16-18, 13-11, 12-10થી વિજય હાંસલ કર્યો હતો તો શ્લોક બજાજે અમદાવાદના હર્ષ પટેલને 11-8, 11-7, 11-3, 11-5થી હરાવ્યો હતો.
ચિત્રાક્ષે પણ આગેકૂચ કરવા માટે મહેનત કરવી પડી હતી. તેણે ભાવનગરના નંદીશ હાલાણી સામે 16-14, 11-9, 4-11, 11-9, 11-9થી મેચ જીતી હતી તો અભિલાષ રાવલે એક ગેમ પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને પાંચમા ક્રમના અરમાન શેખ (અરાવલ્લી) સામે 6-11, 11-8, 11-7, 7-11, 11-5, 11-8થી વિજય હાંસલ કર્યો હતો.
દરમિયાન વિમેન્સના પ્રથમ રાઉન્ડમાં ભાવનગરની ખુશીએ બરોડાની સાક્ષી નાવાણીને 11-7, 11-4, 11-3થી હરાવી હતી તો બરોડાની પૂર્વા નિમ્બાલકરે સ્થાનિક ખેલાડી રિદ્ધિ ગોરેચા સામે 11-1, 11-1, 11-4થી વિજય હાંસલ કર્યો હતો.
અમદાવાદની શાઇની ગોમ્સે પણ લડાયક રમત દાખવીને ભાવનગરની ધારા પરમાર સામે 11-6, 8-11, 11-9, 8-11, 11-8થી મેચ જીતી હતી તો શાઇનીએ અમદાવાદની સાથી કવિશા શાહે બરોડાની શેલી પટેલને 11-7, 13-11, 11-8થી હરાવી હતી.
Comments
Post a Comment