પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021માં માનુષ શાહ આકર્ષણનું કેન્દ્ર
જામનગર
ગુજરાત ટેબલ ટેનિસનો ઉભરતો સ્ટાર માનુષ શાહ આ સિઝનની પ્રથમ સ્ટેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે સજ્જ થઈ ગયો છે અને તે આ વખતે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021ના બીજા ચરણનું અહીં આયોજન કરાયું છે.
અગાઉ ગાંધીધામ ખાતે ઓગસ્ટમાં યોજાયેલી સિઝનની પ્રથમ સ્ટેટ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021માં માનુષે ભાગ લીધો ન હતો કેમ કે તે વખતે માનુષ યુરોપિયન સરકિટમાં તેના કૌશલ્યને તેજ બનાવી રહ્યો હતો. પરંતુ 20 વર્ષીય ડાબોડી ખેલાડી હવે તેના ઘરઆંગણે રમવા માટે સજ્જ છે.
“મારે સિઝનની પ્રથમ ટુર્નામેન્ટ ગુમાવવી પડી હતી કેમ કે હું પોલેન્ડમાં રમી રહ્યો હતો. યુરોપિયન ક્લબ સરકિટમાં તે મારો પ્રથમ અનુભવ હતો અને મારે કહેવું પડશે કે તે મારા માટે કિંમતી અનુભવ હતો. ત્યાં મને ઘણી ચીજો શીખવા મળી. દેખીતી રીતે જ ટોચના ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરવાથી અને રમવાથી ઘણું શીખવા મળ્યું.” તેમ માનુષે જણાવ્યું હતું.
“40 દિવસ માટે યુરોપમાં રમ્યા બાદ મેં એક સપ્તાહનો બ્રેક લીધો હતો અને મારી જાતને સજ્જ કરી દીધી હતી. હવે હું તાજો થઈને ડોમેસ્ટિક સરકિટમાં રમવા તૈયાર થઈ ગયો છું.” તેમ તેણે ઉમેર્યું હતું.
માનુષની ગેરહાજરીમાં અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટે મેન્સ અને જુનિયર બોયઝ (અંડર-19) ટાઇટલ જીતી લીધા હતા અને માનુષે કબૂલ્યું હતું કે આ પ્રકારની ટુર્નામેન્ટમાં વધુ પડતા આત્મવિશ્વાસને કોઈ સ્થાન નથી.
ભારતના 13મા ક્રમાંકના માનુષે ઉમેર્યું હતું કે “હું આ ખેલાડીઓને ઓળખું છું અને તેમની સામે ભૂતકાળમાં ઘણી વખત રમેલો છું. મને ખ્યાલ છે કે આ તીવ્ર હરિફાઈ છે. મારી માફક તેઓ પણ પોતાની રમતમાં સુધારો લાવવા માટે આકરી મહેનત કરી રહ્યા છે. આથી જ મને લાગે છે કે હું દર વખતે તેમની સામે રમીશ ત્યારે મારા માટે એક નવો જ અને આકરો પડકાર સામે હશે કેમ કે પ્રત્યેક ખેલાડી તેમની રમતમાં સુધારો લાવવા માટે મથામણ કરતા હોય છે. ”
આ વર્ષ માનુષ માટે મહત્વનું છે કેમ કે તે તેના ક્રમાંક પર ફોકસ કરશે અને ભારતીય ટીમમાં સ્થાન હાંસલ કરવા માટે આતુર હશે.
“આ વર્ષથી હવે અંડર-21 કેટેગરી નથી તેનો અર્થ એ થયો કે મારે સિનિયર કેટેગરીમાં ભાગ લેવાનો છે. મારા માટે આ આકરો પડકાર રહેશે પરંતુ હું તેના માટે આતુર છું. હું મારા ક્રમાંકમાં સુધારો કરવાનો ઇરાદો ધરાવું છું અને ભારતીય ટીમમાં સ્થાન હાંસલ કરવા માગું છું અને વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે સ્પર્ધા કરવા તત્પર છું.” તેમ તેણે ઉમેર્યું હતું.
“સ્ટેટ ટુર્નામેન્ટમાં માનુષ પરત ફર્યો તેનાથી અમને આનંદ છે. તે અમારા મોખરાના ખેલાડીઓ પૈકીનો એક છે.” તેમ કહીને જીએસટીટીએના પ્રમુખ શ્રી વિપુલ મિત્રા (આઇએએસ)એ ઉમેર્યું હતું કે “મારા મતે આ ટુર્નામેન્ટ રસપ્રદ બની રહેશે કેમ કે કેમ કે અન્ય ખેલાડીઓએ તાજેતરમાં શાનદાર દેખાવ કરેલો છે.”
માનુષ શાહ આ વખતે ફેવરિટ છે ત્યારે ચિત્રાક્ષ ભટ્ટ ગાંધીધામના તેના પ્રદર્શનને આગળ ધપાવવા માગશે. મેન્સ કેટેગરીમાં તેને ઇશાન હિંગોરાણી સામે તીવ્ર મુકાબલાનો સામનો કરવાનો આવી શકે છે.
વિમેન્સ ડ્રોમાં ગાંધીધામની વિજેતા સુરતની ક્રિત્વિકા સિંહા રોયની ગેરહાજરીમાં તેની જ ટીમની ફ્રેનાઝ છિપીયા ટાઇટલ જીતવા માટે ફેવરિટ હોવી જોઇએ. સુરતની જ ફિલઝાહ ફાતીમા કાદરી જુનિયર ગર્લ્સ ટાઇટલ (અંડર-19) પર નજર રાખશે પરંતુ તેને અમદાવાદની કૌશા ભૈરપૂરે પાસેથી પડકારનો સામનો કરવાનો રહેશે. દરમિયાન હાલમાં શાનદાર ફોર્મ ધરાવતી અમદાવાદની નિધી પ્રજાપતિ જુનિયર ગર્લ્સ (અંડર-17) ટાઇટલ માટે ફેવરિટ છે. જોકે પ્રાથા પવાર પણ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે કેમ કે તેનામાં અપસેટ સર્જવાની કાબેલિયત છે.
“ગાંધીધામ અને મોડાસામાં અમારી ટુર્નામેન્ટની સફળતા બાદ હવે અમે જામનગરમાં યાદગાર ઇવેન્ટના આયોજન માટે આતુર છીએ. અમે કોવિડ અંગે પણ તકેદારી રાખીએ છીએ અને તેથી આ વખતે પણ તેના નિયમોમાં કોઈ હળવાશ નહીં રહે. અમારા નિયમો યથાવત જ રહેશે અને તેના ચુસ્ત પાલનને અમે સુનિશ્ચિત કરીશું.” તેમ જીએસટીટીએના ચેરમેન મિલિન્દ તોરાવાણે (આઇએએસ)એ જણાવ્યું હતું.
Comments
Post a Comment