પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટથી જીએસટીટીએ આશા ઊભી કરી
મોડાસા
કેચ ધેમ યંગ... ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)આ ખ્યાતનામ ઉક્તિને ગંભીરતાથી લઈ રહ્યું છે કેમ કે તેણે અંડર-11 ખેલાડીઓ માટે એક નવી કેટેગરી 'હોપ'નો ઉમેરો કર્યો છે. ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021ના પ્રથમ તબક્કાનો શુક્રવારથી અહીં મોડાસા ખાતે પ્રારંભ થઈ રહ્યો છે.
જીએસટીટીએના પ્રમુખ શ્રી વિપુલ મિત્રા (આઇએએસ)એ જણાવ્યું હતું કે “અમે પહેલી વાર બોયઝ અને ગર્લ્સ માટે હોપ્સ (અંડર-11) કેટેગરીને સામેલ કરી રહ્યા છીએ. આ વિચારનો હેતૂ ખેલાડીઓમાં યુવાન વયથી જ ટેબલ ટેનિસ પ્રત્યે ઉત્સાહ જાગે અને તેઓ સ્પર્ધાત્મક રમત રમે તેવો છે. અમે તેમને માત્ર પ્રમોટ કરવા જ માગતા નથી પરંતુ સાથે સાથે અમે પ્રતિભાશાળી ખેલાડીઓની શોધ કરવા માગીએ છીએ અને તેમને આગામી મોટા પડકારો માટે તાલીમબદ્ધ કરવા માગીએ છીએ.”
“આ ટુર્નામેન્ટ અંગે અમે ઘણા રોમાંચિત છીએ કેમ કે અમે પહેલી વાર અંડર-11 ઇવેન્ટ યોજી રહ્યા છીએ. તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશને જારી કરેલી માર્ગદર્શિકા મુજબ આ નિર્ણય લેવાયો છે અને સાથે સાથે ગુજરાતને ટેબલ ટેનિસમાં પાવરહાઉસ બનાવવાના અમારા ઉદ્દેશ્યનો પણ તે ભાગ છે.” તેમ જીએસટીટીએના ચેરમેન મિલિન્દ તોરાવાણે (આઇએએસ)એ જણાવ્યું હતું.
એમએલ ગાંધી હાયર એજ્યુકેશન સોસાયટી અને રોટરી ક્લબ, અરાવલ્લીના સહયોગથી યોજાનારી આ ટુર્નામેન્ટમાં બાળકો આકર્ષણનું કેન્દ્ર તો બની જ જશે પરંતુ તે ઉપરાંત કેડેટ (અંડર-13) અને સબ જુનિયર (અંડર-15) કેટેગરી પણ આકર્ષણરૂપ બની રહેશે.
જીએસટીટીએના સેક્રેટરી અને ભૂતપૂર્વ ખેલાડી કુશલ સંગતાણીએ જણાવ્યું હતું કે “પ્રથમ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021 બે તબક્કામાં યોજાશે જેનો પ્રથમ તબક્કો શુક્રવારથી મોડાસામાં શરૂ થશે જેમાં અંડર-13 અને અંડર-15 કેટેગરીમાં કેટલાક યુવાન અને પ્રતિભાશાળી ખેલાડીઓ જોવા મળશે.”
અમદાવાદના હિમાંશ દહિયા મોખરાના ક્રમે છે. તેણે ગાંધીધામ ખાતે યોજાયેલી એસબીઆઈ ગુજરાત અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અંડર-15નો તાજ જીત્યો હતો. કોરોનાની મહામારી બાદ જીએસટીટીએ દ્વારા પહેલીવાર ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં હિમાંશે તેના કરતાં સારો ક્રમાંક ધરાવતા ખેલાડીઓને હરાવ્યા હતા.
હિમાંશ તેનું ફોર્મ જાળવી રાખે તેવી અપેક્ષા રખાય છે કેમ કે તેણે તાજેતરમાં જ રમાયેલી પ્રથમ ઓપન અમદાવાદ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અંડર-17 અને અંડર-15 ટાઇટલ જીત્યા હતા અને તે આ જ ફોર્મ જારી રાખવા માટે આતુર છે.
જોકે હિમાંશને સ્થાનિક ખેલાડી અને બીજો ક્રમાંક ધરાવતા હર્ષવર્દન પટેલ અને ત્રીજા ક્રમના જન્મેજય પટેલ પાસેથી મજબૂત પ્રતિકારનો સામનો કરવો પડી શકે તેમ છે. આ બંને ખેલાડી તેમના ઘરઆંગણે શાનદાર દેખાવ કરવા માટે આતુર હશે.
ગર્લ્સ કેટેગરીમાં ગાંધીધામ ખાતે વિજેતા બનેલી અર્ની પરમાર પણ તેની વિજયકૂચ આગળ ધપાવવા પ્રયાસ કરશે પરંતુ તેની સામે પણ અમદાવાદની પ્રાથા પવારનો પડકાર રહેશે. પ્રાથાએ કોરોના બાદ સારું પ્રદર્શન કર્યું છે અને તે ગુજરાતની ઉભરતી સ્ટાર છે. 12 વર્ષની પ્રાથા ત્રીજા ક્રમે છે જે અર્ની સામે રોમાંચક બનેલી ફાઇનલમાં હારી ગઈ હતી પરંતુ અમદાવાદ ખાતેની ટુર્નામેન્ટમાં તે સૌથી યુવાન મહિલા વિજેતા બની હતી અને પ્રભાવશાળી દેખાવ કર્યો હતો.
જોકે આ વખતની સ્પર્ધા માત્ર બે ખેલાડીની બની રહેશે નહીં કેમ કે બીજા ક્રમની મૌબિની ચેટરજી અને સાતમા ક્રમની નિધી પ્રજાપતિ (બંને અમદાવાદ) તથા ભાવનગરની ચોથા ક્રમની રિયા જયસ્વાલ પણ પડકાર પેદા કરવાની ક્ષમતા ધરાવે છે.
મોખરાના ક્રમની પ્રાથા ગર્લ્સ અંડર-13 કેટેગરીમાં તેની સાથી ખેલાડી અને બીજા ક્રમની હિયા સિંઘની સાથે ફેવરિટ છે. આ ઉપરાંત ત્રીજા ક્રમની જિયા ત્રિવેદી, ચોથા ક્રમની મૌબિની ચેટરજી પાસેથી પણ આકરા પ્રતિકારની અપેક્ષા રખાય છે.
બોયઝ કેટેગરીમાં અમદાવાદનો આર્ય કટારિયા મોખરાના ક્રમે છે અને તે ગાંધીધામની સફળતા આગળ ધપાવે તેવી અપેક્ષા રખાય છે. જોકે તેને પણ ચોથા ક્રમના સુરતી ખેલાડી વિવાન દવે અને સુરતના જ બીજા ક્રમાંકના સમર્થ શેખાવત સામેથી પડકારનો સામનો કરવો પડી શકે છે.
Comments
Post a Comment