રોટોમેગ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021માં ફ્રેનાઝ અને ફિલઝાહ સતત બીજા ટાઇટલ માટે આતુર
આણંદ
વિમેન્સ ડ્રોમાં ફ્રેનાઝ મોખરે છે જ્યારે જુનિયર ગર્લ્સ (અંડર-19)માં ફિલઝાહ તેનું વર્ચસ્વ જમાવી રાખવા પ્રયાસ કરશે. જ્યાં તેને પોતાના જ શહેરની આફ્રિન મુરાદના પડકારનો સામનો કરવાનો રહેશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ આ ટુર્નામેન્ટનું આયોજન આણંદ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે થઈ રહ્યું છે. જેને એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ અને ચરોતર ગેસ દ્વારા સહ-પ્રાયોજિત કરાઈ છે.
જોકે જુનિયર ગર્લ્સ (અંડર-17)માં અને સબ જુનિયર ગર્લ્સ (અંડર-15) કેટેગરીમાં પરિસ્થિત વધારે રોમાંચક બની શકે તેમ છે કેમ કે તેમાં અમદાવાદની નિધી પ્રજાપતિ અને પ્રાથા પવાર ઉપરાંત સુરતની અર્ની પરમાર જેવી સંખ્યાબંધ પ્રતિભાશાળી ખેલાડીઓ ભાગ લેનારી છે અને તે તમામમાં ટાઇટલ જીતવાની પ્રતિભા છે.
યુવાન પ્રાથા કેડેટ ગર્લ્સ (અંડર-13) ટાઇટલ જીતવા માટેની પણ દાવેદાર છે.
બીજી તરફ કચ્છનો ઇશાન હિંગોરાણી પણ મેન્સ ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર છે જે આ અગાઉ ગાંધીધામ અને જામનગરમાં રનર્સ અપ રહ્યો હતો.
આવી જ રીતે જુનિયર બોયઝ (અંડર-19)માં બુરહાનુદ્દીન માલુભાઈ દાવેદાર છે અને સુરતનો આ યુવાન અંડર-17 કેટેગરીમાં પણ વર્ચસ્વ જાળવી રાખવા માટેનો દાવેદાર મનાય છે.
સબ જુનિયર અને કેડેટ કેટેગરીમાં કેટલાક રોમાંચક મુકાબલાની અપેક્ષા છે. અમદાવાદનો હિમાંશ દહિયા અંડર-15માં રાજ્યમાં મોખરે છે અને તે ફરીથી વિજયના માર્ગે આવવાની આશા રાખે છે. પરંતુ તેને અરાવલ્લીના હર્ષવર્દન પટેલ તથા જન્મેજય પટેલ, સુરતના આયુષ તન્ના અને ભાવનગરના ધ્યેય જાનીના પડકારનો સામનો કરવો પડશે.
અંડર-13 બોયઝ કેટેગરીમાં અમદાવાદના આર્ય કટારિયા પાસેથી ફોર્મ જાળવી રાખવાની અપેક્ષા રખાય છે પરંતુ તેને સુરતના વિવાન દવે તથા ભાવનગરના સુજલ કુકડિયા સામે સાવચેત રહેવું પડશે.
“સિઝનની અમારી પાંચમી ટુર્નામેન્ટ આણંદ ખાતેની ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની જાહેરાત કરતાં હું રોમાંચ અનુભવી રહ્યો છું. આ વખતે ખેલાડીઓ તરફથી જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે કેમ કે 426 ખેલાડી તેમાં ભાગ લેનારા છે. કોરોના પછીની વિશ્વમાં જીવન ફરીથી સામાન્ય બની રહ્યું હોવાનો આ બાબત જ મોટો પુરાવો છે. ” તેમ કહીને જીએસટીટીએના પ્રમુખ શ્રી વિપુલ મિત્રા (આઇએએસ)એ ઉમેર્યું હતું કે “હવે અમે અમારા રૂટિનમાં પરત ફરી રહ્યા છીએ ત્યારે પડકાર અંગે અમે સારી રીતે જાગૃત છીએ અને મને આનંદ છે કે ખેલાડીઓ તથા અધિકારીઓ કોવીડની માર્ગદર્શિકા અંગે સાવચેતી દાખવી રહ્યા છે.” તેમ શ્રી મિત્રાએ જણાવ્યું હતું.
“આણંદના બાકરોલ ખાતેનું યુગપુરષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અમારા માટે તમામ કેટેગરી (સિનિયર, જુનિયર અને કેડેટ)માં સવલત પૂરી પાડવા સક્ષમ છે. સિઝનમાં પહેલી વાર અમે સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટની તમામ કેટેગરીની મેચો એક જ સ્થળે યોજી રહ્યા છીએ. તમામ કેટેગરીમાં અમારા સંખ્યાબંધ મોખરાના અને ઉભરતા ખેલાડીઓને એક જ સ્થળે રમતા જોવાની આ અનેરી તક છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ખેલાડીને હું શુભેચ્છા પાઠવું છું.” તેમ જીએસટીટીએના ચેરમેન શ્રી મિલિન્દ તોરાવાણે (આઇએએસ)એ જણાવ્યું હતું.
Nice drafting sir.
ReplyDelete