એશિયન ટેબલ ટેનિસમાં ભારતીય ટીમે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો
ગાંધીધામ
કતારના અલ માસ્રોહિયા ખાતે યોજાયેલી એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
જોકે ચોથા ક્રમની ભારતીય મેન્સ ટીમનો મોખરાના ક્રમની સાઉથ કોરિયન ટીમ સામે સેમિફાઇનલમાં 0-3થી પરાજય થયો હતો પરંતુ તે સાથે ટીમે ચેમ્પિયશિપમાં ભારતનો સૌપ્રથમ મેડલ સુનિશ્ચિત કરી દીધો હતો.
વિપુલ મિત્રા (આઇએેસ)એ વિજેતા ચીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે “દેશ માટે આ ઐતિહાસિક મેડલ છે અને આપણા ટેબલ ટેનિસ ખેલાડીઓએ ફરી એક વાર આપણને ગૌરવ પ્રદાન કર્યું છે. આ મેડલથી મને ખાતરી છે કે દેશના યુવાનોને પ્રેરણા મળશે અને દેશમાં ટેબલ ટેનિસની રમતને વેગ મળશે.”
“ગુજરાત માટે પણ આ ગોરવશાળી ક્ષણ છે કેમ કે ગુજરાતના બે ખેલાડી હરમિત દેસા અને માનવ ઠક્કર પણ આ ઇતિહાસ સર્જનારી ટીમનો હિસ્સો હતા. મારા મતે બંને ખેલાડી માટે આ ટુર્નામેન્ટ સારો અનુભવ આપનારી બની રહેશે અને આગામી પડકારોનો સામનો કરવા માટે તેમનામાં આત્મવિશ્વાસનું સીંચન કરશે.” તેમ મિત્રાએ ઉમેર્યું હતું.
લુસૈલ મલ્ટિપર્પસ હોલ ખાતે રમાયેલી સેમિફાઇનલમાં સાઉથ કોરિયન ટીમ ભારત ઉપર હાવી રહી હતી.
વિશ્વના 38મા ક્રમના સાથિયાન જ્ઞાનશેખરનો 12મા ક્રમના વુજિન જાંગ સામે 11-5, 10-12, 11-8, 11-5થી પરાજય થયો હતો.
વિશ્વના 33મા ક્રમના અચંતા શરથ કમાલે પણ નિરાશ કર્યા હતા કેમ કે તે એક સમયે 2-1ની સરસાઈ પર હતો પરંતુ 22મા ક્રમના લી સેંગસુ સામે તેનો 11-7, 13-15, 11-8, 6-11, 9-11થી પરાજય થયો હતો.
72મા ક્રમના હરમિત દેસાઈને પણ આવા જ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 77મો ક્રમાંક ધરાવતા સેયુંગમિન ચો સામે તેનો 4-11, 11-9, 11-8, 6-11, 11-13થી પરાજય થયો હતો.
અગાઉ બુધવારે ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં ઇરાનને 3-1થી હરાવીને તેનો મેડલ સુનિશ્ચિત કર્યો હતો.
Comments
Post a Comment