ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભવ્યા જયસ્વાલને બેવડી સફળતા
આણંદ
રોટોમેગ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021ના પ્રથમ દિવસે સુરતની યુવાન ખેલાડી ભવ્યા જયસ્વાલે બે વિજય સાથે ભવ્ય સફળતા હાંસલ કરી હતી. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ આણંદ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આ ટુર્નામેન્ટ યોજાઈ છે.
14થી 17મી દરમિયાન બાકરોલ, આણંદના યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ગુરુવારે રાજ્યમાં સંયુક્તપણે સાતમો ક્રમાંક ધરાવતી ભવ્યા જયસ્વાલે ભાવનગરની સોનલ જૌશીને વિમેન્સના પ્રથમ રાઉન્ડમાં 11-7, 11-8, 11-4થી હરાવી હતી.
ભવ્યા શાનદાર ફોર્મમાં જણાતી હતી જ્યાં તેણે ભાવનગરની જ ભૂમિ બાંભણીયાને જુનિયર ગર્લ્સ (અંડર-19)ના પ્રારંભિક રાઉન્ડમાં 11-2, 11-3, 11-6થી હરાવી હતી.
રોટોમેગ મોટર્સ પ્રાયવેટ લિમિટેડ દ્વારા પ્રાયોજિત અને વિદ્યા વાયર પ્રાયવેટ લિમિટેડ, એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ અને મિલ્સેન્ટ એપ્લાયન્સિસ પ્રાયવેટ લિમિટેડ દ્વારા સહ-પ્રાયોજિત ટુર્નામેન્ટની એક અન્ય વિમેન્સ રાઉન્ડમાં અમદાવાદની શાઇની ગોમ્સે સુરતની હેતા નાયકને 11-0, 11-2, 11-7થી હરાવીહતી જ્યારે દસમા ક્રમની ભાવનગરની રિયા જયસ્વાલે અમદાવાદની નિયતી પટેલને 11-3, 11-8, 11-1થી હરાવી હતી. બરોડાની પૂર્વા નિમ્બાલકરે અમદાવાદની ઝેના સોલંકીને 11-7, 11-4, 11-7થી હરાવી હતી જ્યારે જુનિયર ગર્લ્સ અંડર-17માં બીજા ક્રમની સુરતની મિલી તન્નાએ આણંદની બિન્દુ ભાઈજાને 11-5, 11-2, 11-3થી હરાવી હતી.
જુનિયર ગર્લ્સ (અંડરક-19) કેટેગરીમાં ભાવનગરની ખુશી જાદવે એક ગેમ પાછળ રહ્યા છતાં અમદાવાદની સ્ટાર ખેલાડી પ્રાથા પવાર સામે 11-13, 11-7, 11-9, 11-7થી વિજય હાંસલ કર્યો હતો.
અગાઉ દિવસના પ્રારંભે આદરણીય સંસદસભ્ય શ્રી મિતેશભાઈ પટેલે ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું તે પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રોટોમેગ મોટર્સ પ્રાયવેટ લિમિટેડના સીએમડી શ્રી ઉમેશ બાલાણી, વિદ્યા વાયરના એમડી શ્રી એસએસ રાઠી, સીજીએસએમ લિમિટેડના એમડી શ્રી કિરણભાઈ પટેલ અને એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સના એમડી શ્રી હર્ષદ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે “જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યમાં ખેલ મહાકૂંબ દ્વારા રમતગમતના વિકાસનો પાયો નાખ્યો હતો. હવે તેમની આગેવાની હેઠળ સમગ્ર દેશમાં રમતને વેગ મળ્યો છે અને આપણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રભાવશાળી પરિણામ લાવી રહ્યા છીએ.”
શ્રી પટેલે ઉમેર્યું હતું કે આણંદ ખાતેના આ ટુર્નામેન્ટમાં 400થી વધુ એન્ટ્રી જોઇને આનંદ થાય છે જેમાં કેટલાક નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડી પણ સામેલ છે.”
દરમિયાન એડીટીટીએના પ્રમુખ અને આયોજન સમિતિના ચેરમેન શ્રી કાંતિભાઈ ભુવાએ જણાવ્યું હતું કે “સાંસદ શ્રી મિતેશભાઈ પટેલની હાજરીથી અમે આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ. અમે અમારા પ્રાયોજકો પ્રત્યે પણ આભારી છીએ કેમ કે તેમણે આગળ આવીને ટુર્નામેન્ટ સ્પોન્સર કરી છે અને રાજ્યમાં રમતગમતને સહકાર આપવાનો નિર્ણય લીધો છે. આ ટુર્નામેન્ટમાં 420થી વધુ એન્ટ્રી જ પુરવાર કરે છે કે આ ટેબલ ટેનિસની અને ખાસ કરીને રાજ્યમાં વિવિધ રમતો કેટલી લોકપ્રિય છે. આ ટુર્નામેન્ટ સફળ થવાની અમને આશા છે અને ભાગ લેનારા તમામ ખેલાડીને હું શુભેચ્છા પાઠવું છું.”
મહત્વના પરિણામો
જુનિયર ગર્લ્સ (અંડર-19) પ્રથમ રાઉન્ડ
શૈલી પટેલ જીત્યા વિરુદ્ધ હિયા પટેલ 11-6, 11-6, 11-8
ખુશી જાદવ જીત્યા વિરુદ્ધ પ્રાથા પવાર 11-13, 11-7, 11-9, 11-7
એંજલ પરકાર જીત્યા વિરુદ્ધ આસ્થા મિસ્ત્રી 11-4, 11-9, 11-8
ભવ્યા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ ભૂમિ બાંભણીયા 11-2, 11-3, 11-6
વિમેન્સ પ્રથમ રાઉન્ડ
ભવ્યા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ સોનલ જોશી 11-7, 11-8, 11-4
શાઇની ગોમ્સ જીત્યા વિરુદ્ધ હેતા નાયક 11-0, 11-2, 11-7
રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ નિયતી પટેલ 11-3, 11-8, 11-1
પૂર્વા નિમ્બાલકર જીત્યા વિરુદ્ધ ઝેના સોલંકી 11-7, 11-4, 11-7
મિલી તન્ના જીત્યા વિરુદ્ધ બિન્દુ ભાઇજા 11-5, 11-2, 11-3
Comments
Post a Comment