હરમિત દેસાઈ અને માનવ ઠક્કરે એશિયન બ્રોન્ઝ જીત્યો
ગાંધીધામ
દોહા ખાતે યોજાયેલી 25મી એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કરે બ્રોન્ઝ મેડલ જીતી દીધો હતો.
સેમિફાઇનલમાં હરમિત અને માનવની સુરતી જોડીએ સાઉથ કોરિયન જોડી વુજિન જાંગ અને જોનાહુન લિમ સામે જોરદાર પ્રતિકાર કર્યો હતો.
જોકે આઠમા ક્રમની ભારતીય જોડી પાંચમો ક્રમાંક ધરાવતા તેમના હરીફોના અનુભવની સરખામણી કરી શકી ન હતી અને તેમનો ભારે લડત બાદ 4-11, 6-11, 12-10, 11-9, 8-11થી પરાજય થયો હતો.
અગઉ અચંતા શરથ કમાલ અને જ્ઞાનશેખરન સાથિયાનની છઠ્ઠા ક્રમની જોડીએ પણ ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. અન્ય સેમિફાઇનલમાં તેઓ જાપાનના યુકિયા ઉદા અને શુનસૂકે તોગામીની જોડી સામે 5-11, 9-11, 11-13થી હારી જતાં ત્રીજા સ્થાને રહ્યા હતા.
આ પરાજય છતાં ભારતની મેન્સ ટીમે પ્રભાવશાળી દેખાવ કર્યો હતો કેમ કે તેઓ એશિયન ચેમ્પિયનશિપમાં ગયા સપ્તાહે ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સોમવારે ભારતે બે બ્રોન્ઝ જીત્યા હતા.
“સેમિફાઇનલમાં પરાજય છતાં મેન્સ ટીમે પ્રભાવશાળી દેખાવ કર્યો હતો અને ટુર્નામેન્ટમાં ત્રણ મેડલ જીત્યા હતા.” તેમ કહીને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના પ્રમુખ શ્રી વિપુલ મિત્રા (આઇએએસ)એ ઉમેર્યું હતું કે “આ શાનદાર સફળતા માટે હું હરમિત અને માનવ બંનેને અભિનંદન પાઠવવા માગું છું. તેમણે તમામને પ્રભાવિત કર્યા છે. મને ખાતરી છે કે આપણા આ ખેલાડીઓ પાસેથી વધુ પ્રેરણાદાયક પ્રદર્શન જોવા મળશે.”
Comments
Post a Comment