વલસાડમાં બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં હિમાંશ અને આર્ની ફેવરિટ
વલસાડ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના નેજા હેઠળ અને નવા જ રચાયેલી વલસાડ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે આઠથી દસમી ઓક્ટોબર દરમિયાન વલસાડ ખાતે બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો (પ્રથમ ચરણ) પ્રારંભ થશે જેમાં પ્રતિભાશાળી હિમાંશ દહિયા અને અર્ની પવાર મોખરાના ક્રમે રમશે.
શિવમ ડેવલપર્સ અને રોટરી ક્લબ ઓફ વલસાડના સહકારથી નગરપાલિકા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારી આ ટુર્નામેન્ટમાં ટેબલ ટેનિસના ભાવિ ખેલાડીઓ પણ જોવા મળશે કેમ કે આ સાથે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2021માં હોપ્સ અંડર-11 કેટેગરીની મેચો પણ રમાશે.
“સિઝનની ચોથી સ્ટેટ ટુર્નામેન્ટ યોજવા માટે અમે સજ્જ છીએ અને આ ટુર્નામેન્ટ માટે હું નવી જ રચાયેલી વલસાડ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનની કારોબારીને શુભેચ્છા પાઠવું છું.” તેમ કહીને જીએસટીટીએના પ્રમુખ શ્રી વિપુલ મિત્રા (આઇએએસ)એ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં કેટલાક મોખરાના ખેલાડી ઉપરાંત ઉભરતા ખેલાડીઓ પણ રમતા જોવા મળશે.” તેમ શ્રી મિત્રા (આઇએએસ)એ જણાવ્યું હતું.
“કેડેટ (અંડર-13) અને સબ જુનિયર (અંડર-15) કેટેગરી પ્રકાશમાં રહેશે પરંતુ અંડર-11 કેટેગરીના ખેલાડીઓને રમતા નિહાળવા રસપ્રદ બની રહેશે કેમ કે તેઓ સૌપ્રથમ નેશનલ ચેમ્પિયનશિપ માટે ગુજરાત સ્ટેટની ટીમમાં સ્થાન હાંસલ કરવા માટે પ્રયાસ કરનારા છે.” તેમ જીએસટીટીએના ચેરમેન શ્રી મિલિન્દ તોરાવાણે (આઇએએસ)એ જણાવ્યું હતું.
બોયઝ અંડર-15 કેટેગરીમાં હિમાંશ મોખરાના ખેલાડી છે. તે પ્રકાશમાં રહેશે કેમ કે તાજેતરમાં મોડાસા ખાતે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં થયેલા પરાજય બાદ હિમાંશ તેની રમતમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે. જોકે અમદાવાદના આ પ્રતિભાશાળી ખેલાડીએ સુરતના આયુશ તન્ના જેવા ખેલાડીથી સાવચેત રહેવું પડશે કેમ આયુષે મોડાસામાં ટાઇટલ જીત્યું હતું. આ ઉપરાંત હિમાંશને અરાવલ્લીના હર્ષવર્દન પટેલ, અમદાવાદના આર્ય કટારિયા અને એવા જ ખતરનાક વિવાન દવે (સુરત)ના પડકારનો પણ સામનો કરવાનો છે.
સ્ટેટ ગર્લ્સ અંડર-15 કેટેગરીમાં સુરતની આર્ની પવાર મોખરાના ક્રમે છે. આ વખતે તે ડિફેન્ડિંગ ચેમ્પિયન નિધી પ્રજાપતિ (અમદાવાદ) સામે રમશે ત્યારે તે પોતાનું ભાવિ બદલવાની આશા રાખશે. જોકે તેને પણ અમદાવાદની પ્રાથા પવાર અને મૌબિની ચેટરજી ઉપરાંત ભાવનગરની રિયા જયસ્વાલના પડકારનો સામનો કરવાનો રહેશે.
અંડર-13 કેટેગરીમાં હાલમાં આર્ય કટારિયા મોખરે છે અને તે પણ મોડાસામાં આવેલા ચોથા ક્રમમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે. પણ હાલમાં સ્ટેટ રેન્કિંગમાં ચોથા ક્રમે રહેલો ભાવનગરનો સુજલ કુકડિયા આસાનીથી પોતાનું ટાઇટલ જતું કરે તેમ નથી. જોકે આર્ય અને સુજલે વિવાન પર નજર રાખવી પડશે કેમ કે તે હાલમાં સ્ટેટ રેન્કિંગમાં બીજા ક્રમે છે અને અપસેટ સર્જવા માટે સક્ષમ છે.
સ્ટેટ અંડર-13 ગર્લ્સ કેટેગરીમાં પ્રાથા ટોચ પર છે અને તે મોડાસાના પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માગશે પરંતુ તેણે અમદાવાદની મૌબિની ચેટરજી, હિયા સિંઘ અને જિયા ત્રિવેદીનો સામનો કરવાનો રહેશે.
Comments
Post a Comment